પ્રજાસત્તાક દિન ઉજવણી અહેવાલ
તા. 26 જાન્યુઆરી 2026, સોમવારના રોજ લુહારના મુવાડા પ્રાથમિક શાળા, તાલુકો- બાલાસિનોર, જીલ્લો -મહીસાગર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સવારે 7:00 વાગ્યે પ્રભાતફેરી દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર ગામમાં દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો.
પ્રભાતફેરી દરમિયાન શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી સોલંકી વિક્રમસિંહ ના ઘરે બાળકોને ચા તથા બટાકા પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ બાળકોને પ્રસાદ સ્વરૂપે ચોકલેટ, સાકર, ગોળ વગેરે આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.પછી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગામમાં જન્મેલી દીકરીઓના વાલીઓને બોલાવી તેમને યાદગીરી રૂપે સ્મૃતિપત્ર આપવામાં આવ્યા હતા, જે દીકરી સન્માનનો સુંદર ઉદાહરણ બન્યો હતો.
રાષ્ટ્રધ્વજ સોલંકી સપનાબેન કનકસિંહ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં દેશભક્તિ ગીતો તથા મોબાઇલના ઉપયોગ અંગે જાગૃતિ લાવતું નાટક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું
સવારે 12:00 વાગ્યે કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી. ત્યારબાદ શાળામાં મહિલા મિટિંગ યોજાઈ તેમજ વાલીઓ માટે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રીતે લુહારના મુવાડા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ, દેશપ્રેમ અને સામાજિક જાગૃતિ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.



























